મીના બહેને કેન્સરને હરાવ્યું, માનસરોવર યાત્રાની તૈયારી શરૂ
- મીના બહેને કેન્સરને હરાવ્યું, માનસરોવર યાત્રાની તૈયારી શરૂ
- અષ્ટાંગ યોગ, હકારાત્મક અભિગમને કારણે ચમત્કાર
- અષ્ટાંગ યોગ, હકારાત્મક અભિગમને કારણે ચમત્કાર
રાજકોટ: કેન્સરનું નામ પડે એટલે ભલભલાના મોતિયા મરી જાય. દર્દીને મોત નજર સામે દેખાવા લાગે. ચિંતા કોરી ખાય, રોગથી શરીરને નુકસાન થાય, એટલું જ નુકસાન, ચિંતા, ભય અને નકારાત્મક વિચારોને કારણે થાય. માણસ કેન્સર સામેનો જંગ લડ્યા વગર જ હારી જાય. પણ.. રાજકોટની એક મહિલાએ એ જંગમાં કેન્સરને હરાવ્યું છે. કેન્સરની સારવાર લીધાને હજુ એક જ વર્ષ થયું છે અને એ મહિલા જઇ રહ્યા છે કૈલાશ માનસરોવરની કઠિન યાત્રાએ. વાત છે રાજકોટના વૈશાલીનગરમાં રહેતા મીનાબેન નથવાણીની. તેમની ઉંમર છે 52 વર્ષ.
કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મીનાબેનની ઇચ્છા હતી કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની. હિમાલયની દુર્ગમ પહાડીઓ પર આવેલા એ પવિત્રધામની યાત્રા કરવી હોય તો શરીર તંદુરસ્ત અને સંપૂર્ણ ફિટ હોવું જોઇએ, એ માટે તેમણે વોકિંગ અને સાથે જ ‘લાઇફ’ સંસ્થામાં યોગાના વર્ગ શરૂ કર્યા. મીનાબેને યાત્રાની તમામ તૈયારી કરી લીધી હતી. પણ ત્યાં એક અમંગળ વિઘ્ન આવ્યું. તબીબી પરીક્ષણ દરમિયાન તેમને બ્રેસ્ટ કેન્સર હોવાનું ખૂલ્યું. એ પણ બીજા સ્ટેજનું.
મીનાબેન કહે છે “એક ઘડી તો મને આંચકો લાગ્યો, પણ ત્યાં જાણે કે મારા અંતરના ઊંડાણમાંથી અવાજ આવ્યો કે મને કંઇ નથી થવાનું, એ જ ઘડીએ મેં એ વિચારને મારી હરાવ્યો કે મને કેન્સર થયું છે..” કેન્સર ડિટેક્ટ થયા પછી ચાલ્યો વિવિધ પરીક્ષણોનો દોર, મીનાબેનને એમના પતિ ઉદયભાઇ અને અન્ય પરિવારજનોએ પૂરતી હિંમત આપી, ‘લાઇફ’માં એમના સાથીઓ તથા યોગા ગુરુ નિર્મલસિંહ જાડેજાએ ખૂબ મોરલ સપોર્ટ આપ્યો. ઓપરેશન કરવામાં આવ્યું. મીનાબેન હોસ્પિટલેથી ઘરે આવ્યા. એ સમયે દેખીતી રીતે જ નબળાઇ, અશક્તિ લાગતી હતી.
મીનાબેન કહે છે “મારે દયામણા થઇને નહોતું જીવવું, જીવનની ગતિને મંદ નહોતી થવા દેવી, ભાવે કે ન ભાવે મેં પૂરતું અને પૌષ્ટિક ભોજન લેવાનું શરૂ કર્યું” યોગા ગુરુ નિર્મલસિંહ જાડેજાનો ફરી સંપર્ક કર્યો. તેમણે 15 દિવસ આરામ કરવાની સલાહ આપી. સોળમા દિવસે ફરી પહોંચ્યા ‘લાઇફ’ બિલ્ડિંગે અને શરૂ કર્યા અષ્ટાંગ યોગના વર્ગ.
આજે એ વાતને એક વર્ષ થયું. સન 2014માં કેન્સર ડિટેક્ટ થયું અને હવે તેઓ જઇ રહ્યા છે કૈલાશ માનસરોવરની યાત્રાએ. આ વર્ષે એમની ટુકડી 11મેએ રવાના થવાની હતી, પણ નેપાળના ભૂકંપને કારણે એ ટ્રીપ કેન્સલ થઇ. હવે જૂનના અંતમાં તેઓ જશે. કોઇ પણ સંજોગોમાં જો યાત્રાની મંજૂરી નહીં મળે તો આવતા વર્ષે જશે મીનાબેન કહે છે “કેન્સર-કેન્સર શું કર્યે રાખવું હું તો આ ચાલી કૈલાશ માનસરોવરની યાત્રાએ...”
જેવું વિચારશો એવું જ થશે
ભવિષ્યને કોઇ જાણી શકતું નથી, કાલે શું થશે એ ખબર નથી, જીવનમાં દુ:ખ પણ આવે, રોગ-બીમારી આવે, પણ તેનાથી ડરવું નહીં, મનોબળ મજબૂત રાખવું, એક વસ્તુ હંમેશાં યાદ રાખવી અને ચોક્કસપણે માનવી કે આપણે જેવું વિચારશું એવું જ થશે.
No comments:
Post a Comment